વીર રામવાળા

ધાનાણી ધીંગાણું કર્યું, ખેચીને હાલ્યો ખાગ,
પાછો ન ભરીયો પાગ, તે રણને ટાણે રામડા !

પગ પાક્યો પીડા વધી, ભડ બોરીયેગાળે ભેટ્યો,
હજુ એકે ડગ ન હટ્યો, તું રણને ટાણે રામડા !

પગ એક પાંગળો, અધર ભડાકો એક,
(તોય) ઠાવકી મારી ઠેક, તે રણને ટાણે રામડા !

ધાનાણી તે ધિબીયા , બાપ ને બેટો બે,
તુને નડતા તે, રાખ્યા તળમાં રામડા !

ધારી અમરેલી ધૃજે, થર થર ખાંભા થાય,
દરવાજા દેવાય, રોંઢે દિ’ એ રામડા !

ચાચઈને ડુંગર ચડી, હાકલ દેછ હિન્દવાણ,
ખેપટ જાય ખુરસાણ, કાળપૂંછા બીયા કાળાઉત !

વાટકી જેવડી વાવડી, રાવણ જેવડો રામ,
ગાયકવાડી ગામ, રફલે ધબેડે રામડો !

શક્તિ સૂતી’તી સોચમાં , આપ્યો નો’તો આહાર,
તરપત કરી તરવાર, રગત પાઈને રામડા !

ગઢ જુનો ગિરનાર, ખેંગારનો શ્રાપેલ ખરો,
સંઘર્યો નહીં સરદાર, (નકાં) રમત દેખાડત રામડો !

અંગ્રેજ જરમન આફળે, બળીયા જોધા બે,
ત્રીજું ગર્ય માં તે, રણ જગાવ્યું રામડા !

(ઝુલણો)
ધારી અમરેલીના સિમાડા ધૃજતા ગીરના ડુંગરે હાક પડતી,
ગામડે ગામડે ગોકેરા બોલતા રામને પકડવા ફોજ ફરતી,
તોય પકડાય ના રામવાળો ઘણા ઉગતા દિવસ ને રાત પડતી,
છેલ્લી સમશેર સોરઠ તણી ચમકતી એને ભાંગવા રાત દિ’ ફોજ ફરતી.